મંગળવાર, 27 ડિસેમ્બર, 2016

લીલા છે મોર કાળી વાદળી રે  
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે  
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
ઝૂરે બાપૈયા:  ઝૂરે ઝાડવાં રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
તરસ્યા નદીઓ તે કેરા તીર રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
ઝાઝા દાડાના દીધા વાયદા રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
બેઠાં આશાએ બાર માસ રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
ઊંચા આકાશની અટારીએ રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
ઊભાં શાને વિખેરી વેણ્ય રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
ઓઢી છે ઇંદ્ર-ધનુ ઓઢણી રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
મેલ્યા બે છેડલા ઢળંત રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
આષાઢી બીજની આડ્યો કરી રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
તારાની ટીલડી લલાટ રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
કાંડે તે વીજ કેરી કાંકણી રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
વાદળ-ગંગાનો ગળે હાર રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
લાંબા તે કાલની વિજોગણી રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
કાઢો છો કોને કાજ દોટ રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
જળ રે દેવીની તમે દીકરી રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
દાદા રૂડા તે રવિ ભાણ રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
જનનીની પ્રીત ક્યમ વીસર્યાં રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
દાદાના તાપ શેં સેવાય રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
આવો આકાશની અધીશ્વરી રે
પૃથ્વીનાં પંખીડાં પોકારે  રે 
ટાંપી ટાંપીને મોર ટૌકિયા રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
આવો, અમીની ભરેલ બેન રે
એક વાર ઊભાં રો’, રંગ વાદળી! 
-ઝવેરચંદ મેઘાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો