રવિવાર, 18 ઑગસ્ટ, 2024

મને શૈશવના દિવસો તું આપ...

ખીચડી ને ભાખરી, અથાણાંના છોડિયા,

ડાળાં ને ગરમર ને છાશ ભર્યા છાલિયા,

માથેથી ચીભડાંનું શાક, મોસાળે માણેલા વૈભવની યાદ,

મને શૈશવનાં દિવસો તું આપ,


ઘરની પછીતે એક માટીનો ચૂલો, ને પીંડો એક લોટ મામી બાંધે,

મામી વણે ને મામા ભાખરીઓ ચોડવે, ને સાથે મળીને વાળુ રાંધે,

ભાણિયા જમે એમાં કેટલાય બ્રાહ્મણને પ્રેમે જમાડ્યાનું માપ! 

મને શૈશવનાં દિવસો તું આપ,


ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતા, ને ક્યારેક ખાતાં’તાં અમે ગોળ,

ખીચડીમાં બે ટીપાં નાંખીને ઘી, કેવું હેતથી એ કહેતા’તા ચોળ,

ફીણીને કોળિયો મોમાં મુકીને, અમે ભૂલી જતાં’તાં બધાં તાપ,

મને શૈશવના દિવસો તું આપ,


કઇ રીતે બે છેડા મેળવતા બેઉ, અને કેમ પૂરા કરતા’તા ઓરતા? 

એથી અજાણ અમે આનંદે ઉજવતા, હોળી દિવાળી ને નોરતા,

કઇ રીતે ઘરના બજેટમાં એ લોકો, મુકતા હશે એ ક્યાં કાપ? 

મને શૈશવના દિવસો તું આપ,


મારું ને તારું એ સઘળું સહિયારું, અમે રમતાં’તાં ભાંડરુ સંગાથે,

મનડાંની શેરીમાં યાદ તણો સાદ, આજ પડઘાતો આંસુની સાથે,

ઢળતી આ સાંજે હું ઝૂલું છું એકલો, સ્મરણોની સાથે ચૂપચાપ,

મને શૈશવના દિવસો તું આપ,


આજે એ સઘળાં જઇ ફોટોમાં બેઠાં, ને ફોટો ટીંગાઇ રહ્યા ભીંતે,

આજે તો સઘળું છે પાસે, પણ એવો એ આનંદ ન આવે કોઇ રીતે,

કેવી અમીટ છે એ વીતેલા દિવસોનાં, મધમીઠા સ્મરણોની છાપ,

મને શૈશવના દિવસો તું આપ...

અજ્ઞાત 

મંગળવાર, 23 નવેમ્બર, 2021

તગડાની રીસ

તગડાની રીસ...... 

એકડો ઘૂંટ્યો ને પછી બગડો ઘૂંટ્યો ને ત્યાં તો તગડાને રીસ ચડી ભાઈ..... 

હવે શું કરવું બાઈ.... 

   હવે શું કરવું ભાઈ...

આશાની વાત બધી અભરે ભરીને એ તો ચોગડાને ચલતીમાં રાખે! 

પંડિતને શું કરવા પૂછવાને જાય જ્યાં હો પંડમાં પંચમપુર  સાખે! આમનો દોડે ને એ તો તેમનો દોડે ને તોય છગડામાં ભરાઈ રાઈ..... 

હવે શું કરવું બાઈ.... 

   હવે શું કરવું ભાઈ..

સાત સાત પાતાળે આળોટી સાતડો તો ચકરાવો મારીને ઘૂમે 

આઠમા આકાશને અડવાની લ્હાયમાં રે આઠડોએ અમથો કાં ઝૂમે? 

નવડાએ રટ લીધી શૂન્યને પામવા એ ઠેકતો રહે છે મોટી ખાઈ..... 

  હવે શું કરવું બાઈ.... 

   હવે શું કરવું ભાઈ..

  - હર્ષિદા દીપક

રવિવાર, 24 ઑક્ટોબર, 2021

અમે બસમાં ગ્યાતા

અમે બસમાં ગ્યાતા ટન ટન ટન,
અમે ફરવા ગ્યાતા છન છન છન.
હરતા-ફરતા,રમતા-જમતા,
દોડાદોડી કરતાં હુરેરેરે.

બસના સ્ટોપ પર લાંબી કતાર,
બસને આવતાં લાગે બહુ વાર,
ઊભા હતા છેલ્લા પણ ચઢીગયા પહેલ્લા,
ધક્કામુક્કી કરતાં હુરેરેરે.

મમ્મીને પપ્પા બેસી ગયા,
અમે તો વટમાં ઉભા રહ્યા.
ઘ્ંટડી વાગી ને બસ તો ભાગી,
આંચકા ખાતા ઊંહુ..ઊંહુ..ઊંહું.
કંડક્ટર પૂછે લીધી ટિકિટ?
કહ્યું અમે ક્યાં છે બેસવાની સીટ?
જવું હતું રાણીબાગને
પહોંચી ગયા લાલબાગ
વાતો કરતાં ઓહો.ઓહો.ઓહો.

- બાળગીત

મંગળવાર, 23 ફેબ્રુઆરી, 2021

ભઈલા ક ખ ગ ઘ બોલ

A - b - c - d છોડ ને ભઈલા  ક - ખ - ગ - ઘ , બોલ 

અંગ્રેજીમાં    થાશે  ગોટા,   ગુજરતી અણમોલ

       કે -- ભઈલા ગુજરતી અણમોલ 

સ્પેરો કહીને સ્માર્ટ  બનતો, ચકલી  તું ન બોલે 

કબૂતરોની   બોલી   તારી  સ્વર  પેટી ન ખોલે 

અંગ્રેજીમાં અક્ષર ખોટા,  ગુજરાતી અણમોલ

       કે -- ભઈલા ગુજરાતી અણમોલ.

કાકી - મામી - માસી માટે  એક   શબ્દ છે   આંટી ,

ગુજરાતી મા એ શબ્દો ની બનતી  દીવાદાંડી ,

મળે  નહી કઇં આના જોટા, ગુજરાતી અણમોલ.

       કે -- ભઈલા ગુજરાતી અણમોલ

ભણવા ઇંગ્લીશ શીખી લેવું ગુજરાતી માં  જીવો ,

ગુજરતી અક્ષરની પ્યાલી, ઘુંટ  ઘુંટ માં  પીવો.

વેદવ્યાસ ની વાણી મોટા ગુજરાતી અણમોલ.

       કે -- ભઈલા ગુજરાતી અણમોલ

     - હર્ષિદા  દીપક



રવિવાર, 10 મે, 2020

એક હતા રે દેડકા ભાઈ....
ભારે ફુલણસી દેડકા ભાઈ.

પાણી પીતો જોયો હાથી...
જોઈ મૂછો મરડે ભાથી.
હાથી જેવો જાડો થાઉં...
હાથી ને પછાડી દઉં.

પેટમાં હવા ભરવા માંડ્યા....
ફુગ્ગા જેવા ફુલવા માંડ્યા.
દેડકી બોલી શાણા બોલ....
છોડોને હઠ છોગાળા છેલ.

શાના માને દેડકા ભાઈ....
એમના તો ભારે ભભકા ભાઈ.
ગજા બહારનું ફૂલી ગયા....
એ ફટાક દઈને ફૂટી ગયા.

પડી ગયા રે દેડકા ભાઈ...
ભારે ફુલણસી   દેડકા ભાઈ.




પરીઓનો દેશ આતો પરીઓનો દેશ
રૂડો અને રૂપાળો પરીઓનો દેશ(૨)

રૂમઝૂમ કરતી હું તો ચાલુ, છમછમ કરતી હું તો નાચું,
ગીતો મજાના હું તો ગાઉં, સા.. રે.. ગમ.. મ.. ગ.. રેસા..

તારલીયા તો ટમટમ ટમકે, તેને જોઈને મુખડું મલકે,
રાસે રમતા ઢોલક ઢમકે, ઢમઢમ.... ઢમઢમ...

ચાંદામામા ખુબ જ ગમતા, સંતાકુકડી સાથે રમતા,
રમતા રમતા ખુબજ હસતા, વહાલો એનો દેશ.....

પંખી બની ઉડી જઈએ
હો હો હો ચાંદામામા ના દેશમાં
કાળી કાળી વાદળી નો દેશ ચાંદામામા
વાદળી બની વસી જઈએ
હો હો હો ચાંદામામા ના દેશમાં

ટમટમતા તારલાનો દેશ ચાંદામામા
તારલા બની ટમકી જઈએ
હો હો હો ચાંદા મામાના દેશમાં

રૂપાળી પરીઓનો દેશ ચાંદામામા
પરીઓ બની ખીલી જઈએ
હો હો ચાંદામામા ના દેશમાં