તગડાની રીસ......
એકડો ઘૂંટ્યો ને પછી બગડો ઘૂંટ્યો ને ત્યાં તો તગડાને રીસ ચડી ભાઈ.....
હવે શું કરવું બાઈ....
હવે શું કરવું ભાઈ...
આશાની વાત બધી અભરે ભરીને એ તો ચોગડાને ચલતીમાં રાખે!
પંડિતને શું કરવા પૂછવાને જાય જ્યાં હો પંડમાં પંચમપુર સાખે! આમનો દોડે ને એ તો તેમનો દોડે ને તોય છગડામાં ભરાઈ રાઈ.....
હવે શું કરવું બાઈ....
હવે શું કરવું ભાઈ..
સાત સાત પાતાળે આળોટી સાતડો તો ચકરાવો મારીને ઘૂમે
આઠમા આકાશને અડવાની લ્હાયમાં રે આઠડોએ અમથો કાં ઝૂમે?
નવડાએ રટ લીધી શૂન્યને પામવા એ ઠેકતો રહે છે મોટી ખાઈ.....
હવે શું કરવું બાઈ....
હવે શું કરવું ભાઈ..
- હર્ષિદા દીપક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો